માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભરૂચમાં ‘વિકસિત ભારત@2047’ મલ્ટીમીડિયા પ્રદર્શનનું સમાપન: સ્વચ્છતા અને નશામુક્તિ અભિયાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી
બે દિવસીય પ્રદર્શનમાં ‘સ્વચ્છતા એ જ સેવા’ અને ‘નશા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
પોસ્ટેડ ઓન:
04 OCT 2026 9:11PM by PIB Ahmedabad
ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યૂરો, સુરત દ્વારા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વિકસિત ભારત@2047’ મલ્ટીમીડિયા પ્રદર્શન અંતર્ગત ‘સ્વચ્છતા એ જ સેવા’ તથા ‘નશા મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા તેમજ ભરૂચના કલેક્ટર શ્રી યોગેશ કાપશેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. બંને મહાનુભાવોએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. સાથે જ પર્યાવરણની જાળવણી અને ભાવિ પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂક્યો હતો.
_20261004211401_eda8ff.jpeg)
પ્રદર્શનના પ્રથમ દિવસે ઉદ્ઘાટન કરતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી જરૂરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનભાગીદારી અને સામૂહિક પ્રયાસોથી વિકસિત ભારતનું સ્વપ્ન ચોક્કસપણે સાકાર થશે.
_20261004211455_3aa7cc.jpeg)
કાર્યક્રમના બીજા અને અંતિમ દિવસે ભરૂચ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના સંયુક્ત ઉપક્રમે ઝાડેશ્વર ગામ ખાતે ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ઉપસ્થિત લોકોને નશાના દુષ્પ્રભાવોથી અવગત કરવામાં આવ્યા હતા તેમજ નશામુક્ત સમાજ અને નશામુક્ત ભારતના નિર્માણ માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ નશામુક્ત ભારતના નિર્માણ માટે શપથ ગ્રહણ કર્યો હતો.
_20261004211528_cf807d.jpeg)
વિકસિત ભારત @2047 મલ્ટી મીડિયા પ્રદર્શનમાં લોકોએ ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ ભારતના વિકાસ, પ્રગતિ અને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પ અંગેની માહિતી મેળવી હતી.
કાર્યક્રમ દરમિયાન ‘સ્વચ્છ ભારત અભિયાન’ ને વધુ વેગ મળે અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધે તે હેતુથી કેન્દ્રીય સંચાર બ્યૂરોના ક્ષેત્રીય કાર્યાલય સુરતના સ્ટાફ દ્વારા આસપાસના લોકોને સ્વચ્છ ભારતના સંદેશ સાથેની કાપડની બેગ તેમજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની ટોપીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, નશામુક્તિ તથા વિકસિત ભારતના નિર્માણ અંગે ઉપસ્થિત નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
(રીલીઝ આઈડી: 2318944)
મુલાકાતી સંખ્યા : 34