કૃષિ મંત્રાલય
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કૃષિ ભવન, નવી દિલ્હી ખાતે મંત્રાલયની પ્રથમ સમગ્ર માસિક સમીક્ષા બેઠક યોજાઈ
પીએમ શ્રી નરેન્દ્ર મોદીનું સ્પષ્ટ વિઝન છે કે યોજનાઓનો લાભ ફાઈલોમાં નહીં, ખેડૂતોની લાઈફમાં દેખાય: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ
ડિજિટલ ક્રાંતિનો ઐતિહાસિક માઈલસ્ટોન: દેશમાં બન્યા 10.77 કરોડથી વધુ 'ફાર્મર આઈડી', સીધો ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચી રહ્યો છે યોજનાઓનો લાભ: શિવરાજ સિંહ
આ જ મહિને શરૂ થશે રાષ્ટ્રવ્યાપી 'ખેત બચાવો અભિયાન'; કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહે આપ્યા મજબૂત તૈયારીઓના નિર્દેશ, ખેડૂતોને મળે મહત્તમ લાભ
કઠોળ અને તેલીબિયાં મિશનોની સમીક્ષા દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ બોલ્યા: દેશને ખાદ્ય તેલો અને દાળોમાં બનાવીશું પૂર્ણ આત્મનિર્ભર
પ્રાકૃતિક ખેતીને મળ્યો મોટો ટેકો: લક્ષ્યાંક વટાવીને 27.32 લાખ ખેડૂતો અને 12.85 લાખ હેક્ટર વિસ્તાર જોડાયો, 33 હજાર કૃષિ સખીઓ તૈનાત: શિવરાજ સિંહ
PM-RKVY પર કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો ભરોસો: "પીએમ મોદીના નેતૃત્વમાં કૃષિ વિકાસ માટે રાજ્યોને નાણાંની કમી નહીં રહે"
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) પર ખેડૂતોનો વિશ્વાસ મજબૂત: નોંધણી 23% વધીને 2.83 કરોડને પાર, શિવરાજે આપ્યા ઝડપી ક્લેમના નિર્દેશ
લેબથી લેન્ડનું અંતર ઘટાડવા શિવરાજ સિંહ ચૌહાણની નવી પહેલ: KVK, 'આત્મા' અને કૃષિ યુનિવર્સિટી 'એક ટીમ' બનીને ઉતરે ખેતરમાં
એઆઈએફ (AIF) માં 1.01 લાખ કરોડ રૂપિયાના ધિરાણથી ગામડાઓમાં ઊભું થયું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર; રેકોર્ડ 30 લાખ ખેડૂતો FPO સાથે જોડાયા: શિવરાજ સિંહ
મખાના વિકાસ મિશનનો કમાલ: ખેડૂતોને મળવા લાગ્યા ત્રણ ગણા સુધી વધુ ભાવ; ટ્રેનિંગની જમીની ગુણવત્તા ચકાસવા માટે શિવરાજ સિંહે આપ્યા નિર્દેશ
સુસ્ત રાજ્યો અને જિલ્લાઓને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની સલાહ: "પીએમ મોદીની યોજનાઓનો લાભ દરેક ખેડૂત સુધી પહોંચે, જરૂર પડી તો મુખ્યમંત્રીઓ સાથે કરીશ વાત"
પોસ્ટેડ ઓન:
05 OCT 2026 8:53PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારની કૃષિ નીતિઓનો મૂળ મંત્ર ખેડૂતોને સીધી આર્થિક સહાય, સુલભ સંસ્થાકીય ધિરાણ, ડિજિટલ સશક્તિકરણ, આધુનિક ગ્રામીણ માળખું, પ્રાકૃતિક ખેતી, મજબૂત કિસાન ઉત્પાદક સંગઠન (FPO) અને કઠોળ-તેલીબિયાંમાં દેશને પૂરી રીતે આત્મનિર્ભર બનાવવાનો છે. આ ઉદ્દેશ્યને જમીન પર સાકાર કરવા માટે કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આજે કૃષિ ભવન ખાતે મંત્રાલયની પ્રથમ સમગ્ર માસિક સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "ફાઈલમાં નહીં, લાઈફમાં બદલાવ"ના દ્રષ્ટિકોણને આધાર બનાવતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે સ્પષ્ટ કર્યું કે સરકારનો ધ્યેય માત્ર ઉત્પાદનના આંકડા વધારવાનો નથી, પરંતુ આયાત પરની વિદેશી નિર્ભરતાને સમાપ્ત કરીને ખેડૂતોને વધુમાં વધુ આર્થિક તકો ઉપલબ્ધ કરાવવાનો છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે મંત્રાલયના તમામ વિભાગો, પ્રભાગો અને રાષ્ટ્રીય મિશનોના કામકાજની હવે દર મહિને નિયમિત સમીક્ષા થશે અને અધિકારીઓના માસિક નાણાકીય તથા ભૌતિક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે. બેઠકમાં કેન્દ્રીય કૃષિ સચિવ શ્રી અતીશ ચંદ્રા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમીક્ષા બેઠકમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન હેઠળ 10.77 કરોડથી વધુ વિશિષ્ટ 'ફાર્મર આઈડી' બનવા, કઠોળ અને તેલીબિયાંમાં રાષ્ટ્રીય લક્ષ્યાંક પાર થવા, પ્રાકૃતિક ખેતીના અભૂતપૂર્વ વિસ્તાર અને ફસલ બીમા યોજનામાં 23 ટકાના નોંધપાત્ર વધારા જેવી ઐતિહાસિક સિદ્ધિઓને રેખાંકિત કરવામાં આવી હતી, જેની કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે પ્રશંસા કરી હતી. આ સાથે જ ખેતરોની જમીનની સુરક્ષા અને પાકોની સુરક્ષા માટે આ જ મહિનાથી શરૂ થવા જઈ રહેલા રાષ્ટ્રવ્યાપી 'ખેત બચાવો અભિયાન'ની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. સાથે જ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ રાજ્યોને નિરંતર મંજૂરીઓ આપવાનું ચાલુ રાખવાનો ભરોસો આપતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે પાછળ રહી ગયેલા રાજ્યો અને જિલ્લાઓમાં વહીવટી ઢીલાશ દૂર કરવાના કડક નિર્દેશ પણ આપ્યા હતા.

આ જ મહિને શરૂ થશે 'ખેત બચાવો અભિયાન', ખેડૂતોને મળે મહત્તમ લાભ
સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જમીનની ઘટતી ગુણવત્તા (સોઈલ હેલ્થ), પરાળી અને અવશેષ વ્યવસ્થાપન તથા રાસાયણિક ખાતરોના અસંતુલિત ઉપયોગથી ખેતરોને બચાવવા માટે એક મોટા રાષ્ટ્રવ્યાપી અભિયાન વિશે જણાવ્યું કે આ જ મહિનાની 22 તારીખથી સમગ્ર દેશમાં સઘન 'ખેત બચાવો અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ અધિકારીઓને નિર્દેશિત કર્યા કે આ અભિયાનની રૂપરેખા અને જમીની અમલીકરણ એટલું સુદ્રઢ હોવું જોઈએ કે તેનો સીધો અને મહત્તમ લાભ ગામેગામના અન્નદાતાઓ સુધી પહોંચે. તેમણે કહ્યું કે ખેતરોને બચાવવા એ માત્ર કૃષિનો વિષય નથી, પરંતુ દેશના ભવિષ્ય અને ભાવિ પેઢીઓના પોષણની સુરક્ષા સાથે જોડાયેલી બાબત છે. આ હેઠળ કૃષિ વૈજ્ઞાનિકો અને ક્ષેત્રીય અમલ સીધા ખેતરો સુધી પહોંચશે, જ્યાં ખેડૂતોને જમીનની ચકાસણી, જૈવિક તત્વોના સંરક્ષણ, પરાળી ન બાળવા અને સંતુલિત પોષક તત્વોના વ્યવસ્થાપન પ્રત્યે વ્યવહારિક રીતે જાગરૂક કરવામાં આવશે.

ડિજિટલ ક્રાંતિનો નવો અધ્યાય: 10.77 કરોડ ફાર્મર આઈડી બનીને તૈયાર
સમીક્ષા બેઠકમાં ડિજિટલ એગ્રીકલ્ચર મિશન વિશે માહિતી આપવામાં આવી કે દેશમાં કુલ 14 કરોડ ખેડૂતોના ડિજિટલ એકીકરણના રાષ્ટ્રીય લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 10.77 કરોડથી વધુ ખેડૂતોની ડિજિટલ ફાર્મર આઈડી સફળતાપૂર્વક બનાવી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આને દેશના નાના અને સીમાંત ખેડૂતોના આર્થિક સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર ગણાવ્યો. આ વિશિષ્ટ ડિજિટલ ઓળખ વચેટિયાઓના નેટવર્કને ખતમ કરીને સીધા ખેડૂતના બેંક ખાતામાં યોજનાઓની સબસીડી, સસ્તું સંસ્થાકીય ધિરાણ (KCC), એમએસપી ખરીદી, ફસલ બીમા અને આપદા રાહત પહોંચાડવાનું પારદર્શી માધ્યમ બની ચૂકી છે, જેનાથી કાગળ પરની વિધિઓનો સમય સમાપ્ત થઈ રહ્યો છે.
ડિજિટલ માળખાના વિસ્તાર હેઠળ ડિજિટલ ક્રોપ સર્વેમાં ચાલુ ખરીફ સીઝન દરમિયાન અત્યાર સુધીમાં 26.73 કરોડથી વધુ ખેતરોનો ડિજિટલ સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે, જેનાથી પાકની સચોટ માહિતી સીધી સેટેલાઈટ અને મોબાઈલ એપ દ્વારા મળી રહી છે. આ સાથે જ રાષ્ટ્રીય મૃદા માનચિત્રણ કાર્યક્રમ હેઠળ 8.03 મિલિયન હેક્ટર વિસ્તારનો ડિજિટલ નકશો સો ટકા પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે નિર્દેશ આપ્યા કે જે રાજ્યોમાં ફાર્મર આઈડી અને ડિજિટલ સર્વેની સ્પીડ ધીમી છે, ત્યાં વિશેષ કેમ્પ લગાવીને તમામ ખેડૂતોને તાત્કાલિક ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવે.
કઠોળ અને તેલીબિયાંમાં આત્મનિર્ભરતા: રાષ્ટ્રીય લક્ષ્યાંકથી આગળ નીકળ્યો દેશ
દેશને આયાત પરની નિર્ભરતામાંથી મુક્ત કરાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રીય મિશનોમાં અત્યંત ઉત્સાહજનક પરિણામો સામે આવ્યા છે. રાષ્ટ્રીય કઠોળ આત્મનિર્ભરતા મિશન હેઠળ વર્ષ 2025-26 માં કઠોળનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા- ત્રણેય રાષ્ટ્રીય લક્ષ્યાંકોથી આગળ રહ્યા. દેશમાં 266 લાખ ટનના લક્ષ્યાંક સામે 274.09 લાખ ટન કઠોળનું રેકોર્ડ ઉત્પાદન થયું, જ્યારે વાવેતરનો વિસ્તાર 283 લાખ હેક્ટરના લક્ષ્યાંકને પાર કરીને 286.46 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે વર્તમાન મોસમી અને નીતિગત પરિસ્થિતિઓ કઠોળ ઉત્પાદન માટે સૌથી વધુ સાનુકૂળ છે, તેથી આ તકને ઐતિહાસિક રાષ્ટ્રીય સિદ્ધિમાં પરિવર્તિત કરી દેવી જોઈએ.
આ જ રીતે ખાદ્ય તેલ-તેલીબિયાં મિશનમાં વર્ષ 2025-26 દરમિયાન 427 લાખ ટનના લક્ષ્યાંક સામે 430.59 લાખ ટન તેલીબિયાં ઉત્પાદન થયું અને વાવેતર વિસ્તાર લક્ષ્યાંકથી ઉપર 308.86 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો. દેશમાં ઘરેલું ખાદ્ય તેલનું ઉત્પાદન 2023-24 ના 121.75 લાખ ટનથી વધીને 2025-26 માં 129.96 લાખ ટનના સ્તરે પહોંચી ગયું છે. વળી ઓઈલ પામ મિશનમાં વર્ષ 2026-27 માટે નક્કી કરેલા 1.19 લાખ હેક્ટર નવા વિસ્તારના લક્ષ્યાંક સામે શરૂઆતના મહિનાઓમાં જ લગભગ 50 હજાર હેક્ટર વિસ્તાર કવર કરી લેવામાં આવ્યો છે, એટલે કે ચાલુ વર્ષના લક્ષ્યાંકના આશરે 42 ટકા શરૂઆતના તબક્કામાં જ હાંસલ થઈ ચૂક્યા છે.
પ્રાકૃતિક ખેતી, બાગાયત અને FPO નો અભૂતપૂર્વ વિસ્તાર
રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનમાં નક્કી કરેલા લક્ષ્યાંકો કરતા ક્યાંય વધુ સારા પરિણામો મળ્યા છે. વર્ષ 2025-26 માં 18.75 લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે 20.93 લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી અને 7.50 લાખ હેક્ટરના લક્ષ્યાંક સામે 10.32 લાખ હેક્ટર વિસ્તાર પ્રાકૃતિક ખેતીના દાયરામાં લાવવામાં આવ્યો. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ મળીને 27.32 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ ચૂક્યા છે અને કુલ 12.85 લાખ હેક્ટર વિસ્તાર કવર કરી લેવામાં આવ્યો છે. આ મિશનને ગામેગામ સુધી લઈ જવા માટે 33,257 થી વધુ 'કૃષિ સખીઓ' અને કમ્યુનિટી રિસોર્સ પર્સન્સને તેનાત કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના પ્રવાસનું ઉદાહરણ આપતા મંત્રી શિવરાજ સિંહે જણાવ્યું કે ત્યાં ઓછા વરસાદમાં પણ પ્રાકૃતિક ખેતીથી ખેડૂતોને સીધો લાભ થયો છે.
બાગાયત ક્ષેત્રમાં મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર હેઠળ 360 મિલિયન ટનના લક્ષ્યાંક સામે દેશમાં 370.84 મિલિયન ટનનું રેકોર્ડ બાગાયતી ઉત્પાદન થયું છે. આ અંતર્ગત 50 નવી નર્સરીઓના લક્ષ્યાંક સામે 187 નવી નર્સરીઓ અને 1 લાખ હેક્ટરના લક્ષ્યાંક સામે 1.90 લાખ હેક્ટર નવા બગીચાઓ વિકસાવવામાં આવ્યા. વળી 10,000 FPO યોજના હેઠળ 2.40 લાખ વધારાના ખેડૂતોને જોડવાના લક્ષ્યાંક સામે 30.11 લાખ ખેડૂતો FPO સાથે જોડાયા, જેનાથી નાના ખેડૂતોની બજાર સુધીની સામૂહિક પહોંચ મજબૂત થઈ છે અને FPO નું સરેરાશ વાર્ષિક ટર્નઓવર ₹38 લાખથી વધીને ₹141.76 લાખ સુધી પહોંચી ગયું છે.
PM-RKVY અને એઆઈએફ: ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણાંની કોઈ કમી નથી
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે સ્પષ્ટ કર્યું કે રાજ્યોની પ્રાથમિકતાઓ અને ખેડૂતોના હિતોને જોતા કેન્દ્ર દ્વારા સતત નવી મંજૂરીઓ આપવામાં આવી રહી છે. વર્ષ 2026-27 માટે પ્રોજેક્ટ અપ્રૂવલ કમિટી દ્વારા અત્યાર સુધીમાં 664 નવી પરિયોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં 314 પ્રયોગશાળાઓ, ગોડાઉન અને કસ્ટમ હાયરિંગ સેન્ટર તથા 303 બિયારણ ઉત્પાદન અને ક્ષેત્ર વિસ્તારની પરિયોજનાઓ સામેલ છે. કુલ રૂ. 8,550 કરોડના ફાળવણીમાંથી રૂ. 3,151.80 કરોડની પ્રગતિ થઈ ચૂકી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે આશ્વાસન આપ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિના સમગ્ર વિકાસ માટે કેન્દ્ર તરફથી નાણાંની કોઈ કમી આવવા દેવામાં આવશે નહીં.
બીજી તરફ, કૃષિ પાયાના માળખાકીય ભંડોળ (કૃષિ અવસંરચના કોષ) હેઠળ અત્યાર સુધીમાં 2.25 લાખથી વધુ પરિયોજનાઓ માટે રૂ. 1,01,502 કરોડથી વધુના ધિરાણ મંજૂર કરવામાં આવ્યા છે, જેનાથી ગામડાઓમાં રૂ. 1.73 લાખ કરોડથી વધુના ખર્ચે આધુનિક વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પ્રાથમિક પ્રોસેસિંગ કેન્દ્રો અને કસ્ટમ હાયરિંગ સેન્ટરો તૈયાર થઈ રહ્યા છે. આ ઉપરાંત નવા એગ્રી-સ્ટાર્ટઅપ્સ માટે શરૂ કરવામાં આવેલા AgriSURE ફંડ હેઠળ રૂ. 245 કરોડની નાણાકીય પ્રતિબદ્ધતા જારી કરી દેવામાં આવી છે, જેનાથી ગ્રામીણ યુવાનોના નવાચારોને ગતિ મળી રહી છે.
ફસલ બીમામાં 23% નો ઉછાળો, સોઈલ હેલ્થ અને સૂક્ષ્મ સિંચાઈ પર વધતી જાગૃતિ
પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના પ્રત્યે ખેડૂતોના વધતા ભરોસાની પુષ્ટિ કરતા કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે જણાવ્યું કે વિતેલા ખરીફના 2.30 કરોડ ખેડૂતોના નામાંકનની સરખામણીએ ચાલુ ખરીફમાં આ આંકડો 23 ટકા વધીને 2.83 કરોડ પહોંચી ગયો છે. વળી વીમાકૃત વાવેતર વિસ્તાર વધીને 2.97 કરોડ હેક્ટર અને વીમાની રકમ રૂ. 1.45 લાખ કરોડથી ઉછળીને રૂ. 1.86 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. મંત્રી શિવરાજ સિંહે નિર્દેશ આપ્યા કે ક્લેમ સેટલમેન્ટ પૂરી રીતે પારદર્શી રહે, કોઈ પણ દાવો બાકી ન રહે અને ફરિયાદોનો નક્કી કરેલા સમયમાં નિકાલ થાય.
મૃદા સ્વાસ્થ્ય યોજનાની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે અત્યાર સુધીમાં 16 લાખથી વધુ સોઈલ હેલ્થ કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે અને પીએમ-શ્રી શાળાઓમાં 1,140 મીની ટેસ્ટિંગ લેબ સ્થાપિત થઈ ચૂકી છે. મંત્રી શ્રી ચૌહાણે સંતોષ વ્યક્ત કર્યો કે ખેતરોની જમીનની તપાસ અને સંતુલિત ખાતરના ઉપયોગ અંગે ખેડૂતોમાં હવે જાગૃતિ પહેલા કરતા વધુ વધી રહી છે, જેને 'ખેત બચાવો અભિયાન' સાથે જોડીને વધુ વ્યાપક બનાવવામાં આવશે. વળી 'પર ડ્રોપ મોર ક્રોપ' સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ રૂ. 1,504.63 કરોડના ઉપયોગથી 4.86 લાખ હેક્ટર વિસ્તારને માઈક્રો-ઈરિગેશન સાથે જોડી દેવામાં આવ્યો છે.
વિસ્તરણ તંત્રનું એકીકરણ: KVK, 'આત્મા' અને યુનિવર્સિટી 'એક ટીમ'
કૃષિ સંશોધનને પ્રયોગશાળામાંથી બહાર કાઢીને સીધા ખેડૂતના ખેતર સુધી પહોંચાડવા માટે વિસ્તરણ તંત્રમાં મોટા બદલાવના નિર્દેશ શિવરાજ સિંહ દ્વારા આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અને રાજ્ય કૃષિ યુનિવર્સિટી અલગ-અલગ કામ કરવાના બદલે 'એક ટીમ' તરીકે સમન્વય સ્થાપિત કરે, જેથી વૈજ્ઞાનિકોની ટેકનિકલ સલાહ સીધી ખેડૂતો સુધી પહોંચે અને 'લેબથી લેન્ડ'નું અંતર ખતમ થાય. આ ઉપરાંત આત્મા યોજનાની સમીક્ષા દરમિયાન મંત્રીએ કહ્યું કે પરંપરાગત મેળાઓની ઢબને બદલીને કિસાન મેળાઓને વધુ ઉપયોગી, આધુનિક અને સહભાગી સ્વરૂપમાં આયોજિત કરવામાં આવે, જેનાથી વધુમાં વધુ ખેડૂતોની સીધી ભાગીદારી સુનિશ્ચિત થઈ શકે.
વિશિષ્ટ પાકોની સમીક્ષામાં જણાવવામાં આવ્યું કે મખાના વિકાસ યોજના હેઠળ ખેડૂતોને ઉપજના ત્રણ ગણા સુધી વધુ ભાવ મળી રહ્યા છે, જેના માટે મંત્રી શિવરાજ સિંહે ટ્રેનિંગનો દાયરો વધારવા અને તેની ગુણવત્તા ક્રોસ-ચેક કરવા કહ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રીય વાંસ મિશન, રાષ્ટ્રીય મધમાખી પાલન અને મધ મિશન, કપાસની ઉત્પાદકતા વધારવા માટે મંજૂર કરાયેલા 'કપાસ ક્રાંતિ' મિશન અને પૂર્વોત્તરમાં જૈવિક મૂલ્ય સંવર્ધન (MOVCDNER) ના કાર્યોમાં ઝડપ લાવવા પર ભાર મુકાયો હતો.
સુસ્ત રાજ્યો-જિલ્લાઓને સ્પષ્ટ સૂચના: જરૂર પડ્યે મુખ્યમંત્રીઓ સાથે સીધો સંવાદ
પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના હેઠળ 74 આઉટપુટ ઈન્ડિકેટર્સ પર આધારિત જિલ્લા રેન્કિંગની સમીક્ષા કરવામાં આવી. દેશનો સમગ્ર સરેરાશ સ્કોર એપ્રિલના 18.85 થી સુધરીને ઓગસ્ટમાં 46.89 થઈ ગયો છે. ટોચના 10 જિલ્લાના પ્રદર્શનની સરાહના કરતા મંત્રી શિવરાજ સિંહે તે જિલ્લાઓ પર ચિંતા વ્યક્ત કરી જે સતત નીચલા પાયદાન પર બનેલા છે અથવા યોજનાઓના અમલીકરણમાં શિથિલ છે. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જે જિલ્લાઓ સુસ્ત રહ્યા છે, ત્યાં આ સ્થિતિ સ્વીકાર્ય રહેશે નહીં. અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા કે આવા જિલ્લાઓને અને રાજ્યોના કૃષિ મંત્રીઓને વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવવામાં આવે અને જરૂર પડ્યે તેઓ જાતે મુખ્યમંત્રીઓ સાથે સીધી ચર્ચા કરીને ગતિરોધ દૂર કરશે, જેથી દેશના દરેક ભાગમાં ખેડૂતોને સમાન લાભ મળે.
સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓ અને મિશન ડાયરેક્ટરોને સ્પષ્ટ, સમયબદ્ધ અને પરિણામલક્ષી દિશા-નિર્દેશો જારી કર્યા હતા. તેમણે કહ્યું કે આ જ મહિને પ્રારંભ થઈ રહેલા 'ખેત બચાવો અભિયાન'ની પૂરી તૈયારી જમીન પર દેખાવી જોઈએ, જેમાં વૈજ્ઞાનિકો, KVK નિષ્ણાતો અને ક્ષેત્રીય અમલો સીધા ખેતરો સુધી પહોંચે જેથી વધુમાં વધુ ખેડૂતોને જમીનની રક્ષા, પરાળી વ્યવસ્થાપન અને ફળદ્રુપતા સંવર્ધનની સાચી તકનીક અને લાભ મળી શકે. નાણાકીય શિસ્ત પર ભાર મુકતા કેન્દ્રીય મંત્રી શ્રી ચૌહાણે નિર્દેશ આપ્યો કે દરેક વિભાગ અને યોજના પ્રભાગ માટે નાણાકીય તથા ભૌતિક પ્રગતિની માસિક દેખરેખ ફરજિયાત રહેશે તથા નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓ પર નિર્ભરતા ખતમ કરીને નિર્ધારિત ત્રિમાસિક ગુણોત્તર મુજબ ખર્ચ અને જમીની કામ સુનિશ્ચિત કરવામાં આવે. આ જ રીતે જે રાજ્યોમાં ડિજિટલ આઈડી અને ડિજિટલ ક્રોપ સર્વેનું કામ ધીમું છે, ત્યાં રાજ્ય સરકારો સાથે સમન્વય કરીને પ્રાથમિકતાના ધોરણે કેમ્પ લગાવવામાં આવે, જેથી કોઈ પણ પાત્ર ખેડૂત પ્રધાનમંત્રીના ડિજિટલ વિઝનમાંથી બહાર ન રહે. પારદર્શિતા અને લીકેજ પર પૂર્ણ રોક લગાવવાનો કડક આદેશ આપતા મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે પીએમ-કિસાનમાં સો ટકા પાત્ર ખેડૂતોને તાત્કાલિક જોડવામાં આવે અને કોઈ પણ પ્રકારના અપાત્ર લાભાર્થીને યાદીમાંથી બહાર કરવામાં આવે. વળી પીએમ-આશા માં ખરીદી વ્યવસ્થાની વાસ્તવિક ખરીદીનું માસિક આંકલન થાય તથા નિર્ધારિત ત્રણ મહિનાની મુદત પૂરી થયા પછી ખરીદીની સમય-સીમા વારંવાર આગળ વધારવાની પ્રથા પર રોક લગાવીને ખરીદીમાં લીકેજને પૂરી રીતે સમાપ્ત કરવામાં આવે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ તેમણે ખેડૂતોના ક્લેમ સેટલમેન્ટની પ્રક્રિયા પારદર્શી રાખવા, કોઈ પણ દાવો અકારણ બાકી ન રાખવા અને ખેડૂતો સાથે જોડાયેલી ફરિયાદોનો નક્કી કરેલી સમય-સીમાની અંદર અનિવાર્ય રૂપે નિકાલ કરવા નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહે એ પણ સ્પષ્ટ કર્યું કે માત્ર કાગળ પરના અહેવાલો પર નિર્ભર ન રહીને વરિષ્ઠ અધિકારીઓ જાતે ફિલ્ડ વિઝિટ કરે અને મખાના મિશનની ટ્રેનિંગ, પ્રાકૃતિક ખેતીના મોડેલ, સોઈલ હેલ્થ કાર્ડની ઉપયોગિતા તથા કિસાન મેળાઓની અસરનું જમીની સ્તરે ક્રોસ-ચેકિંગ કરે. તેમણે તાકીદ કરી કે જે જિલ્લાઓ રેન્કિંગમાં સતત નીચે આવી રહ્યા છે, તેમના જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્યના કૃષિ સચિવો સાથે નિયમિત ફોલો-અપ કરવામાં આવે, જેથી પ્રાદેશિક વિષમતા સમાપ્ત થાય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ છોર પર ઊભેલા નાના અને સીમાંત ખેડૂત સુધી કોઈપણ સ્થિતિમાં પહોંચી શકે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2319393)
મુલાકાતી સંખ્યા : 11