ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહને એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તા. 30 અને 31 ઓક્ટોબરે યોજાનારી ઉજવણીનાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું

પોસ્ટેડ ઓન: 22 OCT 2026 6:41PM by PIB Ahmedabad

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે તા. 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આજરોજ કેન્દ્રીય ગૃહ સચિવશ્રી ગોવિંદ મોહને એકતાનગરની મુલાકાત લઈ વિવિધ સ્થળોએ ચાલી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું તથા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર આયોજનની વિગતવાર સમીક્ષા કરી હતી.

એકતાનગરના સુરવા હેલિપેડ ખાતે આગમન થતાં કેન્દ્રીય ગૃહ સચિવશ્રી ગોવિંદ મોહનનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને અનુલક્ષીને તૈયાર કરવામાં આવી રહેલાં વિવિધ સ્થળોની મુલાકાત લઈ કાર્યક્રમના આયોજન, માળખાકીય સુવિધાઓ અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

કેન્દ્રીય ગૃહ સચિવશ્રીએ સૌપ્રથમ મહાનુભાવોના રોકાણ માટે તૈયાર કરવામાં આવી રહેલા LWE ટેન્ટ્સ/PODS આવાસ સ્થળની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ ટેન્ટ આવાસ સ્થળેથી ટેબ્લો ડોમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ચાલી રહેલાં નિર્માણકાર્યોનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામગીરીની પ્રગતિ અને આયોજન અંગેની વિગતો મેળવી હતી.

આ ઉપરાંત તેમણે ટેબ્લો ડોમથી એકતા પથ અને સલામી મંચ સુધીની મુલાકાત લઈ રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ભારત પર્વ સ્થળની મુલાકાત દરમિયાન પણ તેમણે ત્યાં ચાલી રહેલી તૈયારીઓ અને કાર્યક્રમના આયોજન અંગે જરૂરી વિગતો મેળવી હતી. ત્યારબાદ પ્રકાશ પર્વની મુલાકાત લીધી હતી.

આગામી તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD) દ્વારા ‘આનંદમઠ’નું પ્રસ્તુતીકરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવશ્રીએ ડેમ વ્યૂ પોઇન્ટ-1ની મુલાકાત લઈ સ્થળ પરની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ એકતાનગરના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય અને તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે હેતુથી કેન્દ્રીય ગૃહ સચિવશ્રીએ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠકમાં કાર્યક્રમનાં વિવિધ સ્થળોની તૈયારી, મહાનુભાવો આવાસ વ્યવસ્થા, નિર્માણકાર્યો, ટેબ્લો ડોમ, સલામી મંચ, ભારત પર્વ તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે જ તમામ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવીને કામગીરી સમયસર પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં.

ડાયરેક્ટર ઓફ આઈ.બી. શ્રી મહેશ દીક્ષિત, ગુજરાત ચીફ સેક્રેટરી શ્રી એમ.કે.દાસ, DG CRPF શ્રી જ્ઞાનેદ્ર  પ્રતાપ, નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેનશ્રી મુકેશ પુરી, ADG-SPG શ્રી એસ. સુરેશ, DGP ગુજરાત શ્રી જ્ઞાનેદર સિંઘ મલિક, સ્પેશિયલ ડિરેક્ટર IB શ્રી જગ મોહન, પ્રિન્સિપાલ સેક્રેટરી હોમ શ્રી સંજીવ કુમાર સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


(રીલીઝ આઈડી: 2326788) મુલાકાતી સંખ્યા : 53