પોસ્ટેડ ઓન:
01 NOV 2026 2:47PM by PIB Ahmedabad
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ભાવનગરના બોરતળાવ (ગૌરીશંકર તળાવ) ખાતે ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય વાયુસેનાનો ‘સૂર્યકિરણ એર શૉ’ યોજાયો હતો.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રદર્શનમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે પોતાની અદભુત હવાઈ કળા અને શિસ્તબદ્ધ ઉડાનનું પ્રદર્શન કર્યું હતું.

એર શૉ દરમિયાન નવ લાલ અને સફેદ રંગનાં હોક એમકે-132 જેટ વિમાનોએ એકસાથે ઉડાન ભરી વિવિધ આકર્ષક ફોર્મેશન, લૂપ્સ, રોલ્સ અને વિંગટિપ-ટુ-વિંગટિપ જેવા રોમાંચક હવાઈ કરતબો રજૂ કર્યા હતા. પાયલટ્સના સચોટ તાલમેલ, અદભુત કૌશલ્ય અને શિસ્તબદ્ધ ઉડાનથી ઉપસ્થિત નાગરિકો રોમાંચિત થયા હતા.

આ પ્રદર્શન દરમિયાન વિમાનોએ કેસરી, સફેદ અને લીલા રંગના ધુમાડા દ્વારા આકાશમાં ત્રિરંગાની ભવ્ય છટા ઉપસાવી હતી. આશરે 30થી 40 મિનિટ સુધી ચાલેલા આ એર શૉ એ ભાવેણાવાસીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની લાગણીનો સંચાર કર્યો હતો.
એર શોના પ્રારંભે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ બેન્ડ દ્વારા 30 મિનિટની દેશભક્તિની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે બેન્ડ ટીમના સભ્યોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

ભાવનગર ખાતેના આ એર શૉ માટે બરોડાથી એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવ્યું હતું. ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલા આ પ્રદર્શને નગરજનોને ભારતીય વાયુસેનાની સાહસિકતા, શિસ્ત અને વિશિષ્ટ હવાઈ કળાને પ્રત્યક્ષ નિહાળવાનો યાદગાર અવસર પૂરો પાડ્યો હતો.

દિવાળી પહેલા જ ભાવનગરમાં દિવાળીના પર્વનો ઉમંગ ઉત્સાહ અને આનંદ છવાઈ ગયો છે એવું કહેતા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એર શૉ ને બિરદાવ્યો હતો અને તે માટે વાયુસેનાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. ભાવનગર ને એર શૉ ની સોગાદ આપવા બદલ તેમણે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ભારતીય સેના વધુ સક્ષમ, સશક્ત અને સમૃદ્ધ બની રહી છે ત્યારે આજે આ એર શૉના માધ્યમથી ભારતીય વાયુસેનાના શોર્ય, પરાક્રમ અને શિસ્તના ભાવનગરવાસીઓએ દર્શન કર્યા છે. અને ભાવનગર માટે આજનો આ દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્યો શ્રીમતી સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેકટર ડૉ. મનીષકુમાર બંસલ, ડીડીઓ હનુલ ચૌધરી, સૂર્યકિરણ એરોબેટિક ટીમના સ્ક્વોડ્રન લીડર વિક્રમ અને શરદ ગોયલ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવેણાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com