પોસ્ટેડ ઓન:
03 NOV 2026 5:39PM by PIB Ahmedabad
માય ભારત અંતર્ગત ભુજ જિલ્લામાં "વિકસિત ભારત" વિઝન અને ખાસ કરીને "એક રાષ્ટ્ર, એક ચૂંટણી"ના મુખ્ય વિષય/થીમ પર જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થી નેતાઓ અને અગ્રણી મહાનુભાવોએ એકઠા થઈને દેશના વિકાસ અને ચુંટણી સુધારાઓ પર ગહન વિચાર-વિમર્શ કર્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માય ભારતના જિલ્લા યુવા અધિકારી શ્રી અમિત શર્માજી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે પધારેલા તમામ અતિથિઓ અને યુવાનોનું સ્વાગત કર્યું હતું અને 2047 સુધીમાં દેશને 'વિકસિત ભારત' બનાવવામાં યુવા નેતૃત્વ તથા "એક રાષ્ટ્ર, એક ચૂંટણી જેવા નિર્ણાયક સુધારાઓ અંગે યુવાનોમાં જાગૃતિ લાવવાની ભૂમિકા વિશે વિગતવાર માહિતી આપી હતી.

કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હિતેશ ખંડોરાજીએ સંભાળ્યું હતું અને તેમનું અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં જણાવ્યુ હતું કે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી" દેશના નાણાકીય અને વહીવટી સંસાધનોની બચત કરીને વિકાસની ગતિને ઝડપી બનાવશે. તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા અને લોકશાહી મૂલ્યોને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે ભુજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દિવ્યાંશી ગઢવીજી શ્રી અશરફ નથવાણીજી તેમજ શ્રી દાનવીરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને પોતાના માર્ગદર્શન અને સુવિચારોથી પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન જિલ્લાના યુવા સ્પર્ધકોએ સંસદીય શૈલીમાં "એક રાષ્ટ્ર, એક ચૂંટણી"ના ફાયદા, દેશના આર્થિક વિકાસ પર તેની અસર, સુશાસન અને યુવા સશક્તિકરણ જેવા વિષયો પર તર્કબદ્ધ અને પ્રભાવશાળી વિચારો રજૂ કર્યા હતા. ઉપસ્થિત અતિથિઓએ યુવાનોના ઉત્કૃષ્ટ વૈચારિક સ્તર, નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પણ ભાવનાના મુક્ત કંઠે વખાણ કર્યા હતા.
યુથ પાર્લામેન્ટના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી અને તમામ સહભાગીઓએ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપવાનો ઉત્સાહપૂર્વક સંકલ્પ લીધો હતો.