પોસ્ટેડ ઓન:
03 NOV 2026 7:05PM by PIB Ahmedabad
ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત MY Bharat, અમદાવાદ દ્વારા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ – 2027ના ભાગરૂપે જિલ્લા કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ – 2027નું આયોજન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU), અમદાવાદના ગૌતમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્ષની યુવા સંસદનો વિષય “એક રાષ્ટ્ર, એક ચૂંટણી (One Nation, One Election)” રહ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું હતું.

વિકસિત ભારત યુવા સંસદની અધ્યક્ષતા પ્રો. ડૉ. અમી ઉપાધ્યાય, કુલપતિ, BAOU દ્વારા કરવામાં આવી હતી, જ્યારે શ્રી અમિત ઠાકર, ધારાસભ્ય, વેજલપુર વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ ઉપસ્થિત યુવાનોને સંબોધિત કરીને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પમાં યુવાનોની સક્રિય ભાગીદારીનું મહત્ત્વ સમજાવ્યું હતું. સાથે જ એક રાષ્ટ્ર, એક ચૂંટણીની સંકલ્પના અંગે પોતાના વિચારો રજૂ કરી યુવાનોને રાષ્ટ્રીય મહત્ત્વના વિષયો પર જાગૃત, તર્કબદ્ધ અને અભ્યાસપૂર્ણ અભિગમ કેળવવા પ્રેરિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં પાંચ સભ્યોની પ્રતિષ્ઠિત નિર્ણાયક સમિતિ ઉપસ્થિત રહી હતી. જેમાં ડૉ. સ્મિતા જોશી, વિભાગાધ્યક્ષ, સમાજશાસ્ત્ર વિભાગ, એમ. બી. પટેલ રાષ્ટ્રભાષા મહાવિદ્યાલય; સુશ્રી કુમુદ વર્મા, જાણીતા લેખિકા અને શિક્ષણવિદ્; ડૉ. નિશા જોશી, નિયામક (વિદ્યાર્થી વિકાસ), BAOU સહિત અન્ય બે પ્રતિષ્ઠિત સભ્યોનો સમાવેશ થયો હતો.
સ્પર્ધા અંતર્ગત સહભાગી યુવાનોને એક રાષ્ટ્ર, એક ચૂંટણી વિષય પર પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કરવા માટે ત્રણ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. નિર્ણાયક સમિતિ દ્વારા સહભાગીઓના વિષયજ્ઞાન, વિચારોની સ્પષ્ટતા, તર્કબદ્ધ રજૂઆત, વક્તૃત્વ કૌશલ્ય અને સમગ્ર પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ – 2027ના વિજેતાઓ નીચે મુજબ રહ્યા હતા:
- પ્રથમ ક્રમાંક: રાવલ નિર્જરા
- દ્વિતીય ક્રમાંક: મેઘરાજ સિંહ ગોહિલ
- તૃતીય ક્રમાંક: કસક કૌર
કાર્યક્રમમાં યુવા સહભાગીઓ દ્વારા લોકશાહી વ્યવસ્થા, ચૂંટણી સુધારણા અને રાષ્ટ્રનિર્માણ જેવા વિષયો પર રજૂ કરવામાં આવેલા વિચારસભર મંતવ્યો અને નવીન અભિગમથી સમગ્ર વાતાવરણ ઉત્સાહસભર બન્યું હતું. અંતે યોજાયેલા ઔપચારિક સમાપન સમારોહમાં MY Bharat, અમદાવાદ દ્વારા તમામ વિજેતાઓ તેમજ સહભાગીઓને તેમના ઉત્સાહ, પ્રતિભા અને સહભાગિતા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
જિલ્લા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતાઓ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની વિકસિત ભારત યુવા સંસદમાં અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. રાજ્ય કક્ષાએથી પસંદગી પામનારા પ્રથમ ત્રણ વિજેતાઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ યુવા સંસદ લોકશાહી મૂલ્યો, નેતૃત્વ ક્ષમતા, રચનાત્મક ચર્ચા અને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપતું એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી. આ કાર્યક્રમ દ્વારા વિકસિત ભારત @ 2047ના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની ભૂમિકા વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.