યુવા બાબતો અને રમત મંત્રાલય
azadi ka amrit mahotsav

માય ભારત (MY Bharat) દ્વારા નવસારીની નરનલાલા લો કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’નું આયોજન

પોસ્ટેડ ઓન: 04 NOV 2026 1:10PM by PIB Ahmedabad

માય ભારત (MY Bharat), યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા આજે નવસારીની નરનલાલા લો કોલેજ ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, સામાજિક જવાબદારી, લોકશાહી મૂલ્યો અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. સાથે જ યુવાનોને વિકસિત ભારત@2047ના રાષ્ટ્રીય સંકલ્પ સાથે જોડીને દેશના વિકાસમાં તેમની ભૂમિકા અંગે જાગૃત કરવાનો હતો.

કાર્યક્રમમાં નરનલાલા લો કોલેજનાં આચાર્ય ડૉ. કેતના ચાંપાનેરી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યુવાનોને સંબોધિત કરતાં રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવા પેઢીની ભૂમિકા, જવાબદાર નાગરિકત્વ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રસંગે કોલેજના ચેરમેન મહેશભાઈ કણસારા પણ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે નવસારીનાં જિલ્લા યુવા અધિકારી (DYO) સુશ્રી અમૃતા સુરાણા દ્વારા યુવાનોને માય ભારતના વિવિધ કાર્યક્રમો અને પહેલો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે યુવાનોને પોતાની ક્ષમતાઓ અને કૌશલ્યોનો વિકાસ કરી સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં યુથ આઇકન સુશ્રી લકી સિંહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમણે યુવાનો સાથે સંવાદ સાધી વ્યક્તિગત વિકાસ, આત્મવિશ્વાસ, શિસ્ત, સતત પ્રયત્નો અને પોતાના લક્ષ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના સંવાદ દ્વારા યુવાનોને પોતાની ક્ષમતાઓ ઓળખી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રોત્સાહન મળ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ યુવાનોને પોતાના વિચારો વ્યક્ત કરવા, અનુભવોનું આદાનપ્રદાન કરવા તથા સામાજિક અને રાષ્ટ્રીય મુદ્દાઓ પ્રત્યે જાગૃત બનવા માટે એક મંચ પૂરો પાડવામાં સફળ રહ્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન જિલ્લા માય ભારત કાર્યાલય, નવસારી દ્વારા જિલ્લા યુવા અધિકારી સુશ્રી અમૃતા સુરાણાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.

‘વિકસિત ભારત યુવા સંવાદ’ જેવી પહેલો દ્વારા માય ભારત યુવાનોને રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનાવવા, તેમનામાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને વિકસિત ભારત@2047ના લક્ષ્યની પ્રાપ્તિમાં તેમની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2332423) મુલાકાતી સંખ્યા : 31