પોસ્ટેડ ઓન:
04 NOV 2026 4:16PM by PIB Ahmedabad
યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર હેઠળના મેરા યુવા ભારત (MY Bharat), વલસાડ દ્વારા વિકસિત ભારત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન રાજ્જૂ શ્રોફ રોફેલ યુનિવર્સિટી, વાપી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવાનો, મતદાનના મહત્વ પ્રત્યે જાગૃત કરવાનો તથા જનપ્રતિનિધિઓ અને યુવાનો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવાનો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર શ્રીમતી દક્ષાબેન પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અંરવિંદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલ તથા જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
_20261104161845_dcd310.jpeg)
કાર્યક્રમ દરમિયાન આયોજિત ‘યુવા સંવાદ – નો યોર વોટ’ (Know Your Vote) સત્રમાં યુવાનોએ જનપ્રતિનિધિઓ સાથે લોકશાહી અને મતદાન સાથે જોડાયેલા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર મુક્તપણે ચર્ચા કરી હતી. એક નાગરિક તરીકે તેમના વોટની વાસ્તવિક શક્તિ શું છે, યોગ્ય પ્રતિનિધિની પસંદગી કઈ રીતે કરવી જોઈએ, મતદાનથી દેશના વિકાસ પર શું અસર પડે છે તથા યુવાનોની લોકશાહી વ્યવસ્થામાં શું ભૂમિકા હોવી જોઈએ જેવા સવાલો યુવાનોએ જનપ્રતિનિધિઓને પૂછ્યા હતા.

જનપ્રતિનિધિઓએ યુવાનોના પ્રશ્નોના ઉત્તર આપતા મતદાનના અધિકાર અને જવાબદારી, નિષ્પક્ષ મતદાન, જાગૃત નાગરિકતા અને લોકશાહીને મજબૂત બનાવવામાં યુવાનોની સક્રિય ભાગીદારીના મહત્વ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે યુવાનોને કોઈપણ લોભ-લાલચ કે દબાણ વિના પોતાના વિવેકથી મતદાન કરવા તથા અન્ય નાગરિકોને પણ મતદાન પ્રત્યે જાગૃત કરવાનો સંદેશ આપ્યો હતો.
આ સંવાદના માધ્યમથી યુવાનોને એ સમજવાની તક મળી કે લોકશાહી માત્ર મતદાન સુધી સીમિત નથી, પરંતુ તેમાં જાગૃત નાગરિક તરીકે નિરંતર ભાગીદારી પણ આવશ્યક છે. કાર્યક્રમે યુવાનો અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંવાદનું એક સાર્થક મંચ પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમનું આયોજન મેરા યુવા ભારત, વલસાડ દ્વારા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવ્યું હતું. આમાં મોટી સંખ્યામાં યુવાનો, વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.