નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC), ગુજરાતની 191મી બેઠક

પોસ્ટેડ ઓન: 04 NOV 2026 7:45PM by PIB Ahmedabad

બેંક ઑફ બરોડા દ્વારા 4 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ ખાતે રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC), ગુજરાતની 191મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા શ્રી લાલ સિંહ, અધ્યક્ષ, SLBC ગુજરાત તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બેંક ઑફ બરોડાએ કરી હતી.

બેઠકમાં સુશ્રી સ્વાગત ભંડારી, IAS, નિયામક, નાણાકીય સેવા વિભાગ (DFS), ભારત સરકાર (વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા); શ્રી અમરેશ રંજન, ક્ષેત્રીય નિયામક, ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ; શ્રી જી. વી. સુનીલ કુમાર, મુખ્ય મહાપ્રબંધક, નાબાર્ડ; સુશ્રી પ્રશસ્તિ પારીક, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GLPC; શ્રી મહેશ જાની, IAS, મિશન ડિરેક્ટર, GULM; શ્રી અમિત મીણા, નિયામક (સંસ્થાકીય વિત્ત), ગુજરાત સરકાર; તથા શ્રી રવીશ કુમાર, કન્વીનર, SLBC ગુજરાત અને જનરલ મેનેજર, બેંક ઑફ બરોડા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો, ભારતીય રિઝર્વ બેંક, નાબાર્ડ, સભ્ય બેંકો, તમામ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો તથા અન્ય હિતધારક સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

સમિતિએ સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટે બેંકિંગ ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરી હતી અને સતત વૃદ્ધિની નોંધ લીધી હતી. કુલ થાપણો ₹16.09 લાખ કરોડ અને કુલ ધિરાણ ₹15.15 લાખ કરોડ થયું હતું, જેમાં અનુક્રમે ત્રિમાસિક ધોરણે 8.77% અને 8.69% વૃદ્ધિ નોંધાઈ હતી. રાજ્યમાં બેંકિંગ નેટવર્કનો વિસ્તાર થઈ 11,189 શાખાઓ, 12,100 એટીએમ અને 49,257 સક્રિય બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ (BCs) સુધી પહોંચ્યો હતો, જ્યારે CD રેશિયો 94.16% રહ્યો હતો. વાર્ષિક ધિરાણ યોજના (ACP) 2026-27 હેઠળ બેંકોએ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં વાર્ષિક લક્ષ્યાંકના 76.71% જેટલી સિદ્ધિ મેળવી હતી અને ₹9.23 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ કર્યું હતું. તેમાં પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ 72.86% સિદ્ધિ સાથે ₹4.63 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ સામેલ છે.

સમિતિએ કૃષિ, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ને ધિરાણ, નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા યોજનાઓ, સ્વસહાય જૂથો (SHGs)નું બેંક ધિરાણ સાથે જોડાણ, NPS Sanchay, સ્ટાર્ટઅપ ધિરાણ, ડિજિટલ પેમેન્ટ્સ અને સાયબર સુરક્ષા જેવા વિષયો પર ચર્ચા કરી હતી. ખાસ કરીને ઓછા CD રેશિયો ધરાવતા ડાંગ, પોરબંદર અને નવસારી જિલ્લાઓમાં ધિરાણનો પ્રવાહ વધારવા તેમજ કૃષિ અને વંચિત વર્ગો સુધી ધિરાણની પહોંચ ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમિતિએ SLBCના વિશેષ અભિયાન “સમૂહથી સમૃદ્ધિ”ની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી, જે અંતર્ગત પ્રથમ પખવાડિયામાં 4,615 નવા સ્વસહાય જૂથોને બેંક ધિરાણ સાથે જોડવામાં આવ્યા હતા. ગુજરાતનાં 18,000 ગામોમાં મહિલાઓ દ્વારા સંચાલિત અમૂલ પાર્લરો સાથે ભાગીદારી દ્વારા સ્વસહાય જૂથોની આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે GLPC દ્વારા કરવામાં આવેલી પહેલની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

બેઠકમાં ગુજરાત સરકાર, ભારતીય રિઝર્વ બેંક, નાણાકીય સેવા વિભાગ (DFS), નાબાર્ડ, સભ્ય બેંકો અને અન્ય હિતધારકોએ ધિરાણ વિતરણને વધુ મજબૂત બનાવવા, નાણાકીય સમાવેશનો વ્યાપ વધારવા તથા ગુજરાતમાં સંતુલિત અને ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેની પોતાની સામૂહિક પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બેઠક દરમિયાન નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો (LDMs)નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.


(રીલીઝ આઈડી: 2332752) મુલાકાતી સંખ્યા : 68