પોસ્ટેડ ઓન:
05 NOV 2026 7:58PM by PIB Ahmedabad
નાબાર્ડમાં 05 નવેમ્બર 2026 ના રોજ હિન્દી પખવાડિયા પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી જી વી સુનીલ કુમારે કરી હતી. આ કાર્યક્રમમાં પીઆઈબી, ગુજરાતના અપર મહાનિદેશક શ્રી સિદ્ધાર્થ બોડકેએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને નાબાર્ડના સ્ટાફને ‘ભારતીય ભાષાઓ અને જનસંચાર વિષય’ પર સંબોધિત કર્યા હતા.

શ્રી સિદ્ધાર્થ બોડકેએ જણાવ્યું હતું કે ભાષાકીય ક્ષમતા આપણી મેધાશક્તિ વધારે છે અને સમસ્યાનો ઉકેલ લાવવાની આપણી ક્ષમતા સુધારે છે. આ કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીયોની પ્રતિષ્ઠા વધુ છે. શ્રી બોડકેએ જનસંચારમાં ભાષાનું મહત્વ રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે જનસંચારનો અર્થ માત્ર સંદેશો પહોંચાડવાનો નથી પણ વ્યક્તિ સાથે જોડાવું અને તેને સશક્ત બનાવવાનો છે. આવા સંજોગોમાં સ્થાનિક ભાષા અને સંપર્ક ભાષાનું મહત્વ વધુ વધી જાય છે. શ્રી બોડકેએ જણાવ્યું હતું કે ભારત સરકાર પણ હવે પરંપરાગત અને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની યોજનાઓ અને કાર્યોની માહિતી સ્થાનિક ભાષાઓમાં પૂરી પાડી રહી છે. હવે આમ જનતા સુધી વિવિધ માધ્યમો દ્વારા અનેક સૂચનાઓ પહોંચી રહી છે. જો આપણા સુધી સાચા સમયે સાચી માહિતી ન પહોંચે તો એ જોખમ રહેલું છે કે માહિતી ખોટી રીતે પ્રસારિત થઈ શકે છે.

આ પ્રસંગે કાર્યક્રમને સંબોધિત કરતાં નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક શ્રી જી વી સુનીલ કુમારે જણાવ્યું હતું કે હિન્દી એ આપણી વૈધાનિક જવાબદારી છે અને આપણા દેશની એક મહત્વપૂર્ણ સંપર્ક ભાષા છે. શ્રી સુનીલ કુમારે જણાવ્યું હતું કે હવે તકનીકી સુવિધાઓ વધુ સારી થઈ છે અને હિન્દીમાં કામ કરવું હવે પહેલા કરતાં વધુ સરળ બન્યું છે. તેમણે આ આયોજનની સરાહના કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો સ્ટાફ સભ્યોને હિન્દીમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

કાર્યક્રમમાં માનનીય ગૃહ મંત્રી અને અધ્યક્ષ, નાબાર્ડના સંદેશાઓ વાંચવામાં આવ્યા હતા અને હિન્દી પખવાડિયા દરમિયાન આયોજિત થયેલી સ્પર્ધાઓના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. નાબાર્ડના મહાપ્રબંધક શ્રીમતી નિધિ શર્માએ મુખ્ય અતિથિ અને તમામ સહભાગીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.