પોસ્ટેડ ઓન:
19 NOV 2026 12:21PM by PIB Ahmedabad
સૌરાષ્ટ્રની શાન અને જૂનાગઢની સાંસ્કૃતિક ઓળખ સમાન ઐતિહાસિક અને પવિત્ર ગરવા ગિરનારની લીલી પરિક્રમાના પાવન અવસરે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાએ દેશ-વિદેશ તેમજ ગુજરાતના ખૂણેખૂણેથી આવતા લાખો શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. આસ્થાના આ મહાપર્વને સ્વચ્છ, પ્લાસ્ટિકમુક્ત અને પ્રકૃતિમય બનાવવા તેમણે તમામ યાત્રાળુઓને સંકલ્પબદ્ધ થવા અપીલ કરી છે.
ગિરનારના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમાનો ઇતિહાસ અત્યંત પ્રાચીન અને ભવ્ય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારત કાળમાં પાંડવોએ પણ ગિરનારની પરિક્રમા કરી હતી અને ભગવાન શ્રીકૃષ્ણનાં પાવન પગલાં પણ ગિરનારની ભૂમિ સાથે જોડાયેલાં હોવાનું માનવામાં આવે છે.
ચોમાસાની વિદાય બાદ કારતક માસમાં ગિરનારની વનરાજી નવપલ્લવિત બની ખીલી ઊઠે છે, ત્યારે પ્રકૃતિના આ સૌંદર્ય વચ્ચે યોજાતી યાત્રાને લીલી પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. ભવનાથ તળેટીથી શરૂ થઈ માળવેલા અને બોરદેવી જેવા પવિત્ર સ્થળોનો 36 કિલોમીટરનો જંગલમાર્ગ પસાર કરી ફરી ભવનાથ પહોંચતી આ પરિક્રમા દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે.
લીલી પરિક્રમાને માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ સેવા, સમર્પણ અને સામાજિક સમરસતાનું જીવંત પ્રતીક ગણાવતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પરિક્રમાના દુર્ગમ જંગલમાર્ગો પર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સેંકડો સેવાભાવી સંસ્થાઓ તથા મંડળો દ્વારા અન્નક્ષેત્રો, ચા-પાણીની વ્યવસ્થા અને મેડિકલ કેમ્પ સહિતની સેવાઓ પ્રશંસનીય છે. આ પરંપરા ગુજરાતની સેવાભાવના અને ‘અતિથિ દેવો ભવ:’ની સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં તમામ ભેદભાવ ભૂલી લાખો લોકો એક ભાવનાથી જોડાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાકાર કરવામાં આવી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતાં ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ, કાશી વિશ્વનાથ કોરિડોરનો વિકાસ તેમજ સોમનાથ અને પાવાગઢ સહિતનાં પવિત્ર તીર્થધામોનો કાયાકલ્પ કરીને દેશની સનાતન ધરોહરને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપવામાં આવી છે. વિકાસની સાથે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું જતન કરવું એ સમયની માગ છે.
ગિરનાર લીલી પરિક્રમામાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓને વિશેષ અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે પરિક્રમા દરમિયાન સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. ગિરનાર એશિયાટિક સિંહો સહિત અનેક દુર્લભ વન્યજીવોનું કુદરતી આશ્રયસ્થાન છે, ત્યારે જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક કે અન્ય કચરો ન ફેંકવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, વન્યજીવોને કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી રાખવી અને આ વખતે વરસાદ ઓછો હોવાથી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો એ સૌની સામૂહિક જવાબદારી છે.
પ્રધાનમંત્રીના ‘સ્વચ્છ ભારત’ના સંકલ્પને ગિરનારની પવિત્ર ભૂમિ પર સાકાર કરવા સૌને સહયોગ આપવા જણાવતાં તેમણે કહ્યું કે ધાર્મિક આસ્થા સાથે પ્રકૃતિનું સંરક્ષણ જોડાય ત્યારે જ પરિક્રમાની પવિત્રતા સાચા અર્થમાં જળવાઈ રહે છે. તેમણે લીલી પરિક્રમાને માત્ર ધાર્મિક યાત્રા પૂરતી મર્યાદિત ન રાખતાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી ‘પર્યાવરણ તીર્થયાત્રા’ બનાવવા આહ્વાન કર્યું હતું.
અંતમાં, ડૉ. મનસુખ માંડવિયાએ ભગવાન દત્તાત્રેય, માતા અંબા અને ગરવા ગિરનાર પર બિરાજમાન સંતો-મહંતોના ચરણોમાં વંદન કરી ગિરનારી મહારાજના આશીર્વાદ સૌ પર અવિરત વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી તથા આ પરિક્રમા પ્રત્યેક પદયાત્રીના જીવનમાં નવી આશા, નિરોગી સ્વાસ્થ્ય, નવી ઊર્જા અને શાંતિનો સંચાર કરે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com