માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

"વિભાગો વચ્ચે સંકલિત સંચાર સરકારી પહેલો અંગેની જનજાગૃતિને મજબૂત બનાવી શકે છે" – શ્રી સિદ્ધાર્થ બોડકે


પીઆઈબી અમદાવાદ ખાતે આંતર-માધ્યમ પ્રચાર સંકલન સમિતિ (IMPCC)ની બેઠક યોજાઈ

પોસ્ટેડ ઓન: 26 NOV 2026 6:47PM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, નીતિઓ અને અભિયાનોની માહિતી વધુમાં વધુ લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પત્ર સૂચના કાર્યાલય (PIB), અમદાવાદ દ્વારા આંતર-માધ્યમ પ્રચાર સંકલન સમિતિ (IMPCC)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકની અધ્યક્ષતા પીઆઈબીના અધિક મહાનિદેશક અને IMPCCના અધ્યક્ષ શ્રી સિદ્ધાર્થ બોડકેએ કરી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) તેમજ રાજ્યના માહિતી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકને સંબોધિત કરતાં શ્રી સિદ્ધાર્થ બોડકેએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓ અને જનકલ્યાણકારી પહેલોની માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે વિવિધ વિભાગો વચ્ચે સુદૃઢ સંકલન અને સહયોગ અનિવાર્ય છે. તેમણે પ્રચાર-પ્રસારની કામગીરીમાં પીઆઈબી તરફથી તમામ વિભાગોને જરૂરી સહયોગ પૂરો પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જનજાગૃતિ વધારવા માટે તમામ વિભાગોને સંકલિત પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા જનસંપર્ક અને જનજાગૃતિનું એક મહત્ત્વપૂર્ણ તથા અસરકારક માધ્યમ બની રહ્યું છે. સરકારી યોજનાઓ, નીતિઓ અને જનકલ્યાણકારી પહેલોની માહિતી ઝડપથી અને વ્યાપક સ્તરે લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાનો વ્યૂહાત્મક અને અસરકારક ઉપયોગ કરવો જરૂરી છે. પરંપરાગત માધ્યમોની સાથે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પ્રચાર-પ્રસારની પહોંચ વધુ વ્યાપક બનાવી શકાય છે.

બેઠક દરમિયાન સરકારી યોજનાઓ અને નીતિઓના પ્રચાર-પ્રસારને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સહયોગ વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે નશામુક્ત ભારત અભિયાન, સેવા સંકલ્પ અભિયાન અને ભારત પર્વ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓએ પોતાના વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી જનતા સુધી પહોંચાડવા માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓની વિગતો પણ રજૂ કરી હતી. જેમાં નશામુક્ત ભારત અભિયાન, સેવા સંકલ્પ અભિયાન અને ભારત પર્વ અંતર્ગત હાથ ધરાયેલી પ્રચાર-પ્રસારની કામગીરીની સમીક્ષા; સરકારી યોજનાઓને જન-જન સુધી પહોંચાડવા સંકલન અને સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકની શરૂઆત બંધારણ દિવસના અવસરે ભારતીય બંધારણના આમુખના સામૂહિક પઠન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓએ બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના મૂલ્યો તથા આદર્શો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, આગામી IMPCC બેઠક માટેના વિષય તરીકે સુશાસન દિવસની પસંદગી કરવામાં આવી હતી. આગામી બેઠકમાં સુશાસન સંબંધિત વિવિધ પહેલો, યોજનાઓ અને પ્રવૃત્તિઓના પ્રચાર-પ્રસાર અંગે ચર્ચા કરવામાં આવશે.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2342157) મુલાકાતી સંખ્યા : 54